આયુર્વેદને કનડતાં દરદ !

                                                                                       – ‘આયુર્’

આ દેશના લોકોની એ તાસીર છે કે, એને પોતાનાં શાસ્ત્રોનું ગૌરવ ગાવું છે; દેશના ભવ્ય ભૂતકાળને વાગોળવો છે; સંસ્કૃતિનાં ગુણગાન ગાવાં છે ને પોતાના સમાજની સદીઓથી ચાલી આવતી કેટલીક પરંપરાઓને આગળ કરીને પરદેશીઓને સમજાવવી છે પરંતુ પોતાના દેશે સોંપેલી એ મહામૂલી સિદ્ધિઓને વ્યવહારમાં, ખાસ કરીને પોતાને ભાગે આવે ત્યારે, અમલમાં મૂકવી નથી !!

આપણો આયુર્વેદ આ બાબતમાં સાચ્ચે કમનસીબ છે. હજારો વર્ષોથી આ દેશનાં ઊંડાણે પડેલાં ગામડાંઓ સુધી જેનું વર્ચસ્વ હતું તે આજે ઝંખવાણો પડી ગયેલો અનુભવાય છે. આયુર્વેદનાં નીચે બતાવેલાં ચાર અંગોનો પરિચય કરીશું તો જણાશે કે એણે કેટલું સહેવાનું આવ્યું.

આયુર્વેદમાં જ્ઞાન, ઔષધ, વૈદ્ય અને દરદી – આ ચારેયની વાત કરશું તો જણાશે કે,

૧)  આયુર્વેદનાં મૂળ ગ્રંથોનું સાચું અર્થઘટન કરનારાં વિદ્વાનો હવે ઘટતા જાય છે. આ ગ્રંથો કૉલેજમાં ભણાવાય છે છતાં એમાં ઊંડા ઊતરનારા વિદ્યાર્થીઓ ઝૂઝ જણાય છે. ભણ્યા પછી એ વૈદ્યો એલોપથીક સારવારમાં રસ લઈને એ મહામૂલા ગ્રંથોના અવમૂલનને સિદ્ધ કરી આપે છે ! મૂળ ગ્રંથોને રિફર કરવાની કડાકૂટને બદલે “ડોશીમાનું વૈદું” કહેવાતા ટુચકાઓનું ચલણ વધુ જોવા મળે છે ! આયુર્વેદમાં નિદાન કરતી વેળા કેટકેટલાં નિરીક્ષણો ધ્યાનમાં લેવાતાં હોય છે ! દરેક દરદીની પોતાની તાસીર હોય છે; દરેક ૠતુનાં કારણો હોય છે; દરેક રોગનાં વિશેષ લક્ષણો – સંપ્રાપ્તિ – હોય છે એ બધાંને એક કોરે મૂકીને નિદાનો કરી નાંખવામાં આયુર્વેદનાં ગ્રંથોનું અપમાન રહેલું છે.

૨)   ઔષધો હવે શુદ્ધ સ્વરૂપમાં મળતાં નથી, મળે છે તો એમાં ભેળસેળ કરીને એની ગુણવત્તાને અરધાથીય ઓછી કરી નાખવામાં આવે છે પરિણામે રોગને મટાડવાનું લગભગ અશક્ય બની જાય છે. ઔષધીનાં વાવેતર રાસાયણિક ખાતરોને લીધે પણ બીનઅસરકારક તો ખરાં જ પણ ક્યારેક અવળી અસર કરનારાં પણ બની રહેતાં હોય તો નવાઈ નહીં. ને ત્રીજી વાત તે ઔષધોને તૈયાર કરવાની લાંબી શાસ્ત્રીય પદ્ધતિઓને અપનાવવાની દાનત ભાગ્યે જ વૈદ્યોમાં જોવા મળે છે. કેટલીય ફાર્મસીઓ હવે ટુંકે રસ્તે ઔષધનિર્માણ કરતી હોય તો શી ખબર પડવાની ? (હમણાં જ એક અનુભવ કર્યો જેમાં ફાર્મ ઉપર ઢગલા મોંઢે ઊગેલી કુંવારને વેચવા માટે ફાર્મસીઓનો સંપર્ક કર્યો તો જવાબ મળ્યો કે અમે તો કુંવારનો તૈયાર રસ જ ખરીદીએ છીએ ! એ રસ શુદ્ધ હોય કે ન હોય તેની ચિંતા ફાર્મસીઓને ન હોય તેવું બને !)

૩)   આજકાલ વૈદ્યોને પોતાને જ જો આયુર્પોવેદમાં પૂરતી શ્રદ્ધા ન હોય તો પછી આયુર્વેદની દશા અંગે કશું કરવાનું ક્યાં રહે છે ?! મૂળ ગ્રંથોનું દરરોજ, નિયમિત અને દરેક રોગીના કેસને ધ્યાને લઈને સતત અનુશીલન કરવાનું ભાગ્યે જ જોવા મળે. ટુંકા રસ્તે પરિણામો મેળવવા માટે કેટલીક બીનઆયુર્વેદીક દવાઓનો આશરો લેવાતો હોય તેવી પણ શંકા જાય તેવું વાતાવરણ બનતું જતું હોય તો તેથી પણ આયુર્વેદનું નામ ખરડાય તેમાં શી નવાઈ ? અનુભવનો અભાવ, આયુર્વેદનિષ્ઠાનો અભાવ, જલદી પરિણામો લઈને કમાઈ લેવાની ધખના વગેરે જેવા મુદ્દાઓથી આ ત્રીજું અંગ – વૈદ્ય – પણ આયુર્વેદની ચિંતાનો વિષય હોઈ શકે ખરો.

૪)  દરદી એ આયુર્વેદનું ચોથું ને મહત્ત્વનું અંગ છે. આયુર્વેદમાં દરદીને ‘આતુર’ કહ્યો છે. એની આતુરતા જલદી સાજા થઈ જઇને પાછા હતા તેવા જ મોજશોખી બની રહેવાની છે. આ દરદીને પરેજી પાળવી નથી; આયુર્વેદિક દવાઓમાંની કેટલીક તકલીફો જેમ કે દવાઓનાં સ્વાદ, ગંધ વ.નો અણગમો, ઉકાળા વગેરેમાં પડતી મહેનત, ધીરજ વગેરેને અપનાવવાં ગમતાં નથી; જલદી સાજા થઈ જવું છે ને ખર્ચો કરવો નથી (ડૉક્ટરો હજારો રુપિયાના રિપોર્ટ્સ કરાવીને ખંખેરે એમાં વાંધો લઈ શકાતો નથી); આ બધાંને કારણે પણ આયુર્વેદ વગોવાય છે.

=======    00000     =======

આ બધી જ બાબતો નજર સામે જ હતી ને છતાં આ લખનારે સામે ચાલીને પોતાના એક અઘરા રોગને મટાડવા માટે વિદ્વાન વૈદ્યનો સહારો લીધો ત્યારે સગાંસંબંધીઓએ “ઓપરેશન કરાવી લ્યોને મારા ભૈ ! ક્યાં સુધી ઉકાળા ખાંડ્યા કરશો ?” એવી સલાહો આપ્યાં જ કરેલી.

ડૉક્ટરોએ મારી રસોળીને કપાવવાનું અલ્ટિમેટમ આપી દીધેલું. રસોળીની બાજુમાં નીકળેલું ને ફૂટી ગયેલું ગૂમડું મારા ડાયાબિટિસને કારણે મટવાનું નથી જ એવી ચેતવણી સુદ્ધાં આપી દેવામાં આવેલી. ડૉક્ટરોની દવાઓની કોઈ જ અસર થઈ નહીં ને ગૂમડું રૂઝાવાનું નામ લેતું નહોતું તેથી પણ ઘરનાં સૌ ચિંતિત હતાં.

ને છતાં હું એક દિવસ વૈદ્યને આંગણે પહોંચી જ ગયો. બે મહિના સખત પરેજી પાળી; દવાઓમાં પૂરી કાળજી રાખીને નિયમિત રીતે લીધા કરી; વૈદ્યજીનો સતત સંપર્ક રાખ્યો….

ને આજે લગભગ અઢી મહિના પછી ગૂમડાની સંપૂર્ણ રૂઝ સાથે આ હકીકતો કીબોર્ડ ઉપર ટાઈપ કરવાનું સુભાગ્ય ભોગવી રહ્યો છું ! રસોળી જે પતાસા જેવડી હતી તે હજી મગની દાળથી નાના કદની છે.  એને મટાડવાની ઉતાવળ એટલા માટે નથી કે એને મૂળમાંથી કાઢવાની છે. મારા એક સગાને મારી જેમ જ રસોળી હતી તે ઓપરેશન પછી બીજી જગ્યાએ ફરી વાર થયેલી એટલે સરખી રીતે કાઢવામાં ન આવે તો ઓપરેશન પછીય ફરી થવાની દહેશત રહેતી હોવાથી ધીરજથી એને મૂળમાંથી કાઢવાનું જરૂરી હોઈ એની સારવાર ચાલુ છે. પણ આ મારા કેસમાં “આયુર્વેદનું પોતાનું દરદ” હળવું થયાની વાત હોઈ એને અહીં જ હોંશથી વર્ણવી છે. 

Advertisements

7 thoughts on “આયુર્વેદને કનડતાં દરદ !

  1. આયુર્વેદ આપના વિચાર ખરેખર યોગ્ય છે. આપના જેવા આયુર્વેદ પ્રેમી વ્યક્તિઓ થકી તેની અને આપણી સંસ્કૃતિ ની જારવણી થશે. thanks
    જે.એમ. રાવળ સરકારી આયુર્વેદ હોસ્પિટલ હિંમતનગર

  2. આયુર્વેદ વિષે વખાણ તો વાંચ્યા..પણ ‘રસોળી’ નો ઉપાય ક્યાં?મુખ્ય માહિતી જ તમે નથી આપી.મને પણ એક મોટી અને બીજી ઘણી બધી નાની રસોળી ઓ કેટલા વખત થી સતાવે છે.ખરેખર રસોળી નો જે પણ કઈ આયુર્વેદ કે ઘરગથ્થું ઉપાય જે હોય તે અહી જણાવશો.

લેખ અંગે આપનો અભિપ્રાયઃ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s