આયુર્વેદને કનડતાં દરદ !

                                                                                       – ‘આયુર્’

આ દેશના લોકોની એ તાસીર છે કે, એને પોતાનાં શાસ્ત્રોનું ગૌરવ ગાવું છે; દેશના ભવ્ય ભૂતકાળને વાગોળવો છે; સંસ્કૃતિનાં ગુણગાન ગાવાં છે ને પોતાના સમાજની સદીઓથી ચાલી આવતી કેટલીક પરંપરાઓને આગળ કરીને પરદેશીઓને સમજાવવી છે પરંતુ પોતાના દેશે સોંપેલી એ મહામૂલી સિદ્ધિઓને વ્યવહારમાં, ખાસ કરીને પોતાને ભાગે આવે ત્યારે, અમલમાં મૂકવી નથી !!

આપણો આયુર્વેદ આ બાબતમાં સાચ્ચે કમનસીબ છે. હજારો વર્ષોથી આ દેશનાં ઊંડાણે પડેલાં ગામડાંઓ સુધી જેનું વર્ચસ્વ હતું તે આજે ઝંખવાણો પડી ગયેલો અનુભવાય છે. આયુર્વેદનાં નીચે બતાવેલાં ચાર અંગોનો પરિચય કરીશું તો જણાશે કે એણે કેટલું સહેવાનું આવ્યું.

આયુર્વેદમાં જ્ઞાન, ઔષધ, વૈદ્ય અને દરદી – આ ચારેયની વાત કરશું તો જણાશે કે,

૧)  આયુર્વેદનાં મૂળ ગ્રંથોનું સાચું અર્થઘટન કરનારાં વિદ્વાનો હવે ઘટતા જાય છે. આ ગ્રંથો કૉલેજમાં ભણાવાય છે છતાં એમાં ઊંડા ઊતરનારા વિદ્યાર્થીઓ ઝૂઝ જણાય છે. ભણ્યા પછી એ વૈદ્યો એલોપથીક સારવારમાં રસ લઈને એ મહામૂલા ગ્રંથોના અવમૂલનને સિદ્ધ કરી આપે છે ! મૂળ ગ્રંથોને રિફર કરવાની કડાકૂટને બદલે “ડોશીમાનું વૈદું” કહેવાતા ટુચકાઓનું ચલણ વધુ જોવા મળે છે ! આયુર્વેદમાં નિદાન કરતી વેળા કેટકેટલાં નિરીક્ષણો ધ્યાનમાં લેવાતાં હોય છે ! દરેક દરદીની પોતાની તાસીર હોય છે; દરેક ૠતુનાં કારણો હોય છે; દરેક રોગનાં વિશેષ લક્ષણો – સંપ્રાપ્તિ – હોય છે એ બધાંને એક કોરે મૂકીને નિદાનો કરી નાંખવામાં આયુર્વેદનાં ગ્રંથોનું અપમાન રહેલું છે.

૨)   ઔષધો હવે શુદ્ધ સ્વરૂપમાં મળતાં નથી, મળે છે તો એમાં ભેળસેળ કરીને એની ગુણવત્તાને અરધાથીય ઓછી કરી નાખવામાં આવે છે પરિણામે રોગને મટાડવાનું લગભગ અશક્ય બની જાય છે. ઔષધીનાં વાવેતર રાસાયણિક ખાતરોને લીધે પણ બીનઅસરકારક તો ખરાં જ પણ ક્યારેક અવળી અસર કરનારાં પણ બની રહેતાં હોય તો નવાઈ નહીં. ને ત્રીજી વાત તે ઔષધોને તૈયાર કરવાની લાંબી શાસ્ત્રીય પદ્ધતિઓને અપનાવવાની દાનત ભાગ્યે જ વૈદ્યોમાં જોવા મળે છે. કેટલીય ફાર્મસીઓ હવે ટુંકે રસ્તે ઔષધનિર્માણ કરતી હોય તો શી ખબર પડવાની ? (હમણાં જ એક અનુભવ કર્યો જેમાં ફાર્મ ઉપર ઢગલા મોંઢે ઊગેલી કુંવારને વેચવા માટે ફાર્મસીઓનો સંપર્ક કર્યો તો જવાબ મળ્યો કે અમે તો કુંવારનો તૈયાર રસ જ ખરીદીએ છીએ ! એ રસ શુદ્ધ હોય કે ન હોય તેની ચિંતા ફાર્મસીઓને ન હોય તેવું બને !)

૩)   આજકાલ વૈદ્યોને પોતાને જ જો આયુર્પોવેદમાં પૂરતી શ્રદ્ધા ન હોય તો પછી આયુર્વેદની દશા અંગે કશું કરવાનું ક્યાં રહે છે ?! મૂળ ગ્રંથોનું દરરોજ, નિયમિત અને દરેક રોગીના કેસને ધ્યાને લઈને સતત અનુશીલન કરવાનું ભાગ્યે જ જોવા મળે. ટુંકા રસ્તે પરિણામો મેળવવા માટે કેટલીક બીનઆયુર્વેદીક દવાઓનો આશરો લેવાતો હોય તેવી પણ શંકા જાય તેવું વાતાવરણ બનતું જતું હોય તો તેથી પણ આયુર્વેદનું નામ ખરડાય તેમાં શી નવાઈ ? અનુભવનો અભાવ, આયુર્વેદનિષ્ઠાનો અભાવ, જલદી પરિણામો લઈને કમાઈ લેવાની ધખના વગેરે જેવા મુદ્દાઓથી આ ત્રીજું અંગ – વૈદ્ય – પણ આયુર્વેદની ચિંતાનો વિષય હોઈ શકે ખરો.

૪)  દરદી એ આયુર્વેદનું ચોથું ને મહત્ત્વનું અંગ છે. આયુર્વેદમાં દરદીને ‘આતુર’ કહ્યો છે. એની આતુરતા જલદી સાજા થઈ જઇને પાછા હતા તેવા જ મોજશોખી બની રહેવાની છે. આ દરદીને પરેજી પાળવી નથી; આયુર્વેદિક દવાઓમાંની કેટલીક તકલીફો જેમ કે દવાઓનાં સ્વાદ, ગંધ વ.નો અણગમો, ઉકાળા વગેરેમાં પડતી મહેનત, ધીરજ વગેરેને અપનાવવાં ગમતાં નથી; જલદી સાજા થઈ જવું છે ને ખર્ચો કરવો નથી (ડૉક્ટરો હજારો રુપિયાના રિપોર્ટ્સ કરાવીને ખંખેરે એમાં વાંધો લઈ શકાતો નથી); આ બધાંને કારણે પણ આયુર્વેદ વગોવાય છે.

=======    00000     =======

આ બધી જ બાબતો નજર સામે જ હતી ને છતાં આ લખનારે સામે ચાલીને પોતાના એક અઘરા રોગને મટાડવા માટે વિદ્વાન વૈદ્યનો સહારો લીધો ત્યારે સગાંસંબંધીઓએ “ઓપરેશન કરાવી લ્યોને મારા ભૈ ! ક્યાં સુધી ઉકાળા ખાંડ્યા કરશો ?” એવી સલાહો આપ્યાં જ કરેલી.

ડૉક્ટરોએ મારી રસોળીને કપાવવાનું અલ્ટિમેટમ આપી દીધેલું. રસોળીની બાજુમાં નીકળેલું ને ફૂટી ગયેલું ગૂમડું મારા ડાયાબિટિસને કારણે મટવાનું નથી જ એવી ચેતવણી સુદ્ધાં આપી દેવામાં આવેલી. ડૉક્ટરોની દવાઓની કોઈ જ અસર થઈ નહીં ને ગૂમડું રૂઝાવાનું નામ લેતું નહોતું તેથી પણ ઘરનાં સૌ ચિંતિત હતાં.

ને છતાં હું એક દિવસ વૈદ્યને આંગણે પહોંચી જ ગયો. બે મહિના સખત પરેજી પાળી; દવાઓમાં પૂરી કાળજી રાખીને નિયમિત રીતે લીધા કરી; વૈદ્યજીનો સતત સંપર્ક રાખ્યો….

ને આજે લગભગ અઢી મહિના પછી ગૂમડાની સંપૂર્ણ રૂઝ સાથે આ હકીકતો કીબોર્ડ ઉપર ટાઈપ કરવાનું સુભાગ્ય ભોગવી રહ્યો છું ! રસોળી જે પતાસા જેવડી હતી તે હજી મગની દાળથી નાના કદની છે.  એને મટાડવાની ઉતાવળ એટલા માટે નથી કે એને મૂળમાંથી કાઢવાની છે. મારા એક સગાને મારી જેમ જ રસોળી હતી તે ઓપરેશન પછી બીજી જગ્યાએ ફરી વાર થયેલી એટલે સરખી રીતે કાઢવામાં ન આવે તો ઓપરેશન પછીય ફરી થવાની દહેશત રહેતી હોવાથી ધીરજથી એને મૂળમાંથી કાઢવાનું જરૂરી હોઈ એની સારવાર ચાલુ છે. પણ આ મારા કેસમાં “આયુર્વેદનું પોતાનું દરદ” હળવું થયાની વાત હોઈ એને અહીં જ હોંશથી વર્ણવી છે. 

Advertisements

શિરઃશૂલ રોગ કે રોગનું કારણ ?

                                                              રાજવૈદ્ય એમ. એચ. બારોટ

આયુર્વેદ વિજ્ઞાનમાળાનો મણકોઃ “માથાનો દુખાવો”

હવે વિજ્ઞાન નરમ પડ્યું છે. જેમાં જેને અત્યાર સુધી માત્ર તે રોગનું લક્ષણ છે, લક્ષણ છે એમ જ કૂટે રાખતું હતું તે હવે ધીમે અવાજે એમ કહેવા લાગ્યું છે કે, તે રોગ હોઈ શકે છે. માથાનો દુખાવો આવો એક રોગછે જેને મેડિકલ સાયન્સ માત્ર રોગનું લક્ષણ ગણતો ને જે હવે હળવે હળવે રોગની સ્વિકૃતિ પામતો જાય છે. આયુર્વેદમાં પહેલેથી જ આ રોગ અન્ય રોગનું લક્ષણ (જેમ કે તાવનું) અને સ્વતંત્ર રોગ પણ ગણવામાં આવ્યો છે. આયુર્વેદના બધા આવાર્યો તેને રોગ ગણાવે છે. રોગનાં કારણો પણ વર્ણવે છે….

તેનાં લક્ષણો જાણીને નવાઈ લાગશે પણ એક કોન્ફરન્સમાં મળેલા વિશ્વના નિષ્ણાતોને એક જુનિયર નિષ્ણાતે એવું કહ્યું કે મારી સારવારમાં કેટલાક એવા રોગીઓ આવ્યા છે કે જેઓને માથાનો દુખાવો શરૂ થયો તે પહેલાં કોઈ જ રોગ ન હોય. અને માથું મટી ગયા પછી કોઈને પૂછ્યા વિના કે કશી તપાસ કરાવ્યા વિના પોતાના મૂળ કામે ચડી ગયા હોય. આવું મને પણ ઘણામાં ઘણી વખત જોવા મળ્યું છે. આવાને કોઈ રોગનું લક્ષણ કઈ રીતે ગણી શકાય ? તેના આ પ્રહાર પછી તો ઘણા નિષ્ણાતોએ પોતાના અનુભવો વર્ણવ્યા અને સંમત થયા કે માથાનો દુખાવો સ્વતંત્ર રોગ હોઈ શકે છે.

એ સ્વીકારવું પડે કે આયુર્વેદના નિષ્ણાતો વધુ પ્રજ્ઞાવાન હતા. એટલે તેઓએ આ સત્યને સૌ પહેલાં સ્પષ્ટ બતાવી દીધું. જે લોકો વધુ ઉંચાઈએ ઊભા હોય છે તેઓ વધુ જોઈ શકે છે….એક કોન્ફરન્સમાં એક વૈજ્ઞાનિકે ઐતિહાસિક બાબતને આગળ કરીને એવું બતાવ્યું હતું કે પશ્ચિમના ઘણા નિષ્ણાતો માથાના દુખાવાથી પીડાયા હતા. તેઓને આ દુખાવા સિવાય કોઈ રોગ હતો કે નહીં તેની વિગતો મળતી નથી. આ સૌમાં જુલિયસ સિઝર, મહાન સિકંદર, મહાન સંગીતકાર બિથોવન, ચાર્લ્સ ડાર્વિન, હેનરી ચહાઈન તથા લ્યુઈસ કેરોલ અને મોંપાસા જેવાઓ માથાના દુખાવાથી પીડાતા હતા.

સ્વતંત્રરીતે માથું દુખાડે તેવી કોઈ અવસ્થાઓ / કારણો છે ખરાં ? (આને અંગે હવે પછી જોઈશું.)

માથાના દુઃખાવાનું મિકેનીઝમ

                                                                           –  રાજવૈદ્ય એમ. એચ. બારોટ

માથાના દુઃખાવાની વિગત–તેના વિકાસની વિગત અત્યંત વિસ્તૃત છે. આયુર્વેદમાં આને સંપ્રાપ્તિ કહે છે. જ્યારે મેડિકલ પરિભાષામાં તેને પેથોજેનેસીસ કહે છે. 

૯૦% માથાનો દુઃખાવો લક્ષણ તરીકે, બીજા રોગના પરિણામે જોવા મળે છે. એટલે કે તે મુખ્યત્વે લક્ષણ છે. છતાં રોગ તરીકે પણ છે. આયુર્વેદ અહીં સ્પષ્ટ છે. તે શિરઃશૂલને રોગ જ ગણે છે અને અગિયાર જાતનો માથાનો દુઃખાવો છે તેવું માને છે. 

બીજું, માથાનો દુઃખાવો જેટલો ક્રિયાત્મક ફંક્શન છે તેટલો રચનાત્મક, ઓર્ગેનિક નથી. ઓર્ગેનિક એટલે રચનાની ખરાબીથી થતો માથાનો દુઃખાવો. જેમ કે મગજમાં કેન્સરની ગાંઠ થાય અને માથાનો દુઃખાવો થાય કે મગજમાં લોહીની નળી તૂટે અને માથાનો દુઃખાવો થાય. 

ત્રીજું, મગજનો વલ્કલ (કોર્ટેક્ષ)વાળો ભાગ જો દુઃખાવાની અનુભૂતિ વ્યક્ત કરવામાં નિષ્ફળ જાય તો વ્યક્તિને દુઃખાવો અનુભવાતો નથી. ઉપરાંત ગાઢ ઊંઘમાં, હીપ્રોસીસમાં કે એનેસ્થેસિયા આપ્યો હોય ત્યારે દુઃખાવાનો અનુભવ થતો નથી. આ બધાંમાં મગજ વલ્કલ (સેરીબ્રલ કોર્ટેક્ષ) વેદનાનો અનુભવ થતો નથી. ટૂંકમાં દુઃખાવાનાં સંવેદનો ગ્રહણ કરનાર મગજના ભાગો જો તેનું યોગ્ય ઈન્ટરપ્રિટેશન ન કરે તો મગજને માથાના દુઃખાવાનો અનુભવ થતો નથી.

મગજના ભાગો જેમ વેદનાને અનુભવવામાં કેટલીક બાબતો પર આધાર રાખે છે તેમ દુઃખાવાના સંવેદનો સ્વીકારનાર–ગ્રાહક રીસેપ્ટર્સ પણ કેટલીક બાબતોથી પ્રભાવિત થાય છે. આ પરિબળોમાં યાંત્રિક પરિબળ (મિકેનિકલ પરિબળ) અને માનસિક પરિબળ (સાયકોજેનિક ફેક્ટર).

યાંત્રિક પરિબળમાં ગ્રાહક તંતુઓ પરનું દબાણ પેઈન–રૂજા પર અસર કરે છે. દબાણ, દુઃખાવો વધારે છે. જેમ કે કેન્સરની ગાંઠ, વ્રણ વસ્તુ (સ્કાર), વિદ્રધિ (એબ્સેસ), રક્તગ્રંથિ (એન્યુરિઝમ), મસ્તિષ્કગત રક્તસ્રાવ (સેરિબ્રલ હેમરેજ) અને કોઈ જાતનો અંદરનો કે બહારનો પાક (ઈન્ફ્લેમેટરી કંડીશન).

આવું જ મગજમાં આવેલ પ્રવાહી (સેરીબ્રોસ્પાઈનલ ફ્લુઈડ)નો માર્ગ બંધ થાય કે અવરોધ થાય કે મગજમાં આવેલ લોહી પરિભ્રમણ અવરોધાય ત્યારે પણ ત્યાં મગજની અંદરનું દબાણ વધીને (ઈન્ટ્રાકેનિયલ પ્રેશર) દુઃખાવો ઊભો કરે છે.

(લેખક કૃત ‘માથાનો દુઃખાવો’માંથી સાભાર)

એક માથાના દુખાવારૂપ રોગ અને આયુર્વેદની સજજતા.

                                     – રાજવૈદ્ય એમ. એચ. બારોટ

પરિચય

ટી.બી પર કાબુ આવી ગયો છે તેવું કહેનાર વિશ્વ આરોગ્ય સંસ્થા અને પશ્ચિમના દેશો આજે વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે. આ વિકટ પરિસ્થિતિ એટલે ટી.બી. મટવાને બદલે એવા સ્વરૂપે જોવા મળી રહ્યો છે કે નિષ્ણાતો પોતે ભયભીત થઈ ગયા છે. ભલે તેઓ કંઈ બોલતા ન હોય પણ તેઓને ગળા સુધી ખાત્રી થઈ ગઈ છે કે આમ જ ચાલ્યું તો ચેપનું સામ્રાજ્ય ફરી ઊભું થઈ રહ્યું છે, અને એન્ટિબાયોટિક્સ નિષ્ફળ જઈ રહ્યાં છે, તેવું સ્વીકારવું જ પડે. થૂંકેલું પાછું ગળવું પડે. શું કરવું ? મૂંજવણનો કોઈ પાર નથી.

ટી.બી.ની સારવારથી ન મટતા કેઈસીસ પશ્ચિમના દેશોમાં આજે ઊભરી રહ્યા છે. આવો ટી.બી. ત્રણ સ્વરૂપે જોવા મળે છે. અને આ ત્રણેય રૂપો આજે પશ્ચિમના દેશોમાં જોવા મળ્યા છે. આમાં એમ.ડી.આર. મુખ્ય સ્વરૂપે જોવા મળ્યો છે. એમ.ડી.આર. એટલે મલ્ટિપલ ડ્રગરૅઝિસ્ટ ટ્યુબરક્યુલોસીસ મુખ્ય છે. કહેવાની ભાગ્યે જ જરૂર છે કે અત્યારે આવા બળવાન રોગોમાં રોગને મહાત કરવા મલ્ટિપલડ્રગ્ઝનો વાયરો છે અને શરૂઆતમાં આ થેરાપી ચમત્કાર બતાવે છે, પણ પાછળથી આમાં આ દવાઓ ગોબાજાળી ઊભી કરે છે.

આ દવાઓની નિષ્ફળતા દર્શાવતો બળવાન પ્રકાર છે, એક્સ.આર.ડી. – એટલે કે એક્સ્ટેન્સિવ ડ્રગરૅઝિસ્ટ ટ્યુબરક્યુલોસીસ. અને તેનો આ પ્રકાર સૌથી ખરાબ છે. તેથી તેનું નામ છે, એક્સ.એક્સ.આર.ડી. ટ્યુબરક્યુલોસીસ. આનો અર્થ છે, હાઈ એક્સ્ટેન્સિવ ડ્રગરૅઝિસ્ટ ટ્યુબરક્યુલોસીસ.

આજે વિશ્વમાં એમ.ડી.આર.ટી.બી.ના જ ત્રણ લાખ જેટલા રોગીઓ છે. જેમાં ચીનમાં સવા લાખ અને ભારતમાં એક લાખ જેટલા છે.

જૂના જમાનામાં ટી.બી. ક્ષયરોગ તરીકે ઓળખાતો. લોકો ‘ખય’ કહેતા. ટી.બી.નાં જૂનાં નામો થાયસિસ અને કંઝપ્શન. આ ક્ષયનાં જ ભાષાંતરો છે. ફેફસાંમાં ચેપ પછી ગાંઠો (ટ્યુબરકલ)થતી હોઈ એને ટ્યુબરક્યુલોસીસ નામ અપાયું. આયુર્વેદમાં ક્ષયનું શ્રેષ્ઠ વર્ણન અને શ્રેષ્ઠ સારવાર છે. ચન્દ્રને તેના સસરા દક્ષ પ્રજાપતિનો શાપ – ક્ષય માટે. ચન્દ્રને ક્ષય થવો. સોમનાથની ઉપાસના – બ્રહ્મચર્યથી ક્ષય મટવો જેવી પ્રાગૈતિહાસિક બાબતો સ્પષ્ટ બતાવે છે કે ક્ષય જુગજૂનો રોગ છે. દક્ષનો શાપ એટલે બાયોલૉજિકલ વેપન તરીકે ક્ષયનાં જીવાણુંઓનું ચન્દ્ર પર આક્રમણ જેવી બાબતો આમાં સમાયેલી જોવા મળે છે. શ્રેષ્ઠ આહાર (માંસાહાર એનસ્પિપ્રોટિન), શ્રેષ્ઠ પેય – પીણાં – મધ અને અરિષ્ટો સાથે અરડૂસીના જુદાજુદા પ્રયોગોથી ક્ષય અવશ્ય મટે છે, તેવું આયુર્વેદ માને છે. હજારો ઔષધો ક્ષય વિરોધી તરીકે બતાવાયાં છે.

ક્ષયના નવા ત્રણ પ્રકારોથી ભયભીત પશ્ચીમના દેશો.

હમણાં અમેરિકામાં અને જર્મનીમાં એમ.ડી.આર.ના રોગો જોતાં પશ્ચિમના દેશોની પગ નીચેની ધરતી સરકી ગઈ છે. એક તો બચત વિનાના વેપારોથી મહામંદીનો સામનો કરી રહેલ આ દેશોને એમ લાગવા માંડ્યું છે કે આર્થિક નિષ્ફળતા જેવી જ આરોગ્યની નિષ્ફળતા – ‘અમને ક્યાંયનાં નહીં રહેવા દે’ જેવી ભીતિ ઊભી થઈ છે.યાદ રાખો, પશ્ચિમના દેશોની ખાસ કરીને અમેરિકાની મંદીમાં સારવાર (હેલ્થ)નું મોટું બજેટ (૧૭થી ૨૦ %) પણ એક બળવાન કારણ ગણાય છે. તેમાં સારવારના માપદંડો જ લકવાગ્રસ્ત થવા માંડે તો પછી શું સમજવું ? આનાં પછી તો ઘણાં સર્વેક્ષણો થયાં જેમાં એચ.આઈ.વી./એઈડ્સનાં હાલનાં એ.આર.ટી. જેવાં ઔષધો પણ નિષ્ફળ જઈ રહ્યાંના રિપોર્ટ્સ છે. આ દવાઓ, એટલે કે એન્ટિરિટ્રોવાયરસ અને હાઈએન્ટિરિટ્રોવાયરસ દવાઓથી એચઆઈવી રૅઝિસ્ટ થઈ ગયાં છે. માત્ર ખુદા બચાવે !!

એમ.આર.ડી.નો એક કેઈસ રિપોર્ટ

શ્રીમતી શાહ, ગૌરવાન, નીચી કાઠી, સૂકલકડી શરીર સાથે મોઢા ઉપર માસ્ક બાંધીને તેના પતિ અને પુત્રી સાથે આવે છે. તેઓ પરિચિત છે. બહેનની ફરિયાદો – ડાબો ભાગ લકવાગ્રસ્ત અને વચ્ચેવચ્ચે તાવ, ખાંસી વિશેષ. ૬૩ વર્ષે શરીર સુકાયેલ હોય, ખાંસી હોય, વચ્ચે તાવ આવતો હોય તો અમે આયુર્વેદવાળા “જરાજન્યશોષ” (વૃદ્ધત્વને કારણે થતો ક્ષય) જ ગણીએ.

રોગવૃત્ત –

અત્યંત રસપ્રદ. રોગીનું શરીર બરાબર હતું. વજન ૫૬ કિલો હતું. ગમે તે કારણે ૧૯૯૮માં લકવો થયો.આખું ડાબું અંગ પકડાઈ ગયું. એટલે શંકા પડી સીરગ્ર… પર. આ ઘટાડવા એન્ટિકોએગ્યુલેટરી દવાઓ અને ફીઝિયોથેરાપીનો મારો ચલાવ્યો, જેથી ફરી એટૅક આવે જ નહીં ! હા, લકવા એવો ને એવો જ રહ્યો !! પણ નવાઈ વચ્ચે તેને ખાંસી આવી, જેમાં કફ સાથે લોહી પડ્યું !! જે કુટુંબમાં મોટાભાગનાં સભ્યો મેડિકોઝ હોય તેઓ સમજી ન શક્યાં કે આ લોહી કેમ પડ્યું ?! અને તે ન જાણી શકાયું તો ધૂળ પડી આ ધંધામાં ! સ્પૂટમ પરીક્ષા (AFB) કરતાં ટી.બી.નાં જીવાણુંઓ જોવા મળ્યા. એટલે ફરી થઈ AKTની સારવાર.નિષ્ણાતોએ બાર માસનો કોર્સ કરવાનું નક્કી કર્યું. પણ થોડા દિવસની સારવારથી “ઓપ્ટિક ન્યુરાઈટિસ” થતાં ઈથામ્બુટોલ બંધ કર્યું. દવાઓ ચાલુ રહી. ફાયદો થયો. એટલે દવાઓ બંધ કરી. તો થોડા સમય પછી ફરી તાવ આવવો અને ખાંસી શરૂ થતાં ગભરાટ થયો. તપાસમાં ફરી ટી.બી. જોવા મળ્યો. ફરી છ માસનો કોર્સ શરૂ. પણ રોગીની ફરિયાદમાં ફરક ન પડતાં ફરી તપાસનું ચક્ર શરૂ થયું. નિષ્ણાતોએ નિર્ણય કર્યો કે આ રોગ હવે એમ.ડી.આર થઈ ગયો છે. AKT કશું કરી શકે તેમ નથી. વાત શ્રી શાહને જણાવવામાં આવી.તેઓનો પિત્તો ગયો.કારણ કે નિષ્ણાતોએ રૂ. ૬૫ હજારનો મેડિક્લેઈમ વાપરી નાખ્યો હતો !! તેણે પોતાના મેડિકોને અને તેના મિત્રોને ખખડાવ્યા. પણ અર્થહીન !! ઉલટાનું કહેવામાં આવ્યું કે ભલે ૫ % પરિણામ હોય, દવાઓ ચાલુ રાખો. “અને ન રાખું તો ?” શ્રી શાહ તાડૂક્યા. “ ૨૦ દિવસમાં ફેફસાં ટી.બી.ના જીવાણુઓથી ભરાઈ જશે. અને પછી રોગીને બચાવી નહીં શકાય…”

આજે આ બધું છોડીને આવેલાં શ્રીમતિ શાહ છેલ્લાં ૩ વર્ષથી શાંતિથી જીવે છે. કોઈ AKT વિના. ટી.બી. ન જ મટે તે ભ્રામક માન્યતામાંથી આ કુટુંબ જેમ નીકળી ગયું તેમ બધાંએ નીકળી જવાની જરૂર છે.  જો આયુર્વેદની દવાથી એમ.ડી.આર. ટી.બી. મટાડી શકાય તો સાદો ટી.બી. તો રમતાં રમતાં મટે જ.

બૌધિકોના વિશેષ રોગો : બ્લડ– પ્રેશર

                            રાજવૈદ્ય શ્રી એમ. એચ. બારોટ.

 

બ્લડ પ્રેશર વધવાના અર્થમાં અહીં બ્લડપ્રેશર શબ્દ વાપર્યો છે, જેને વધુ ટેકનીકલ ભાષામાં કહેવું હોય તો હાઇપરટેન્શન કહેવામાં આવે છે. આનાં મુખ્ય કારણોમાં કીડનીનું ફંકશન બગડવું, વધુ પડતા ઉજાગરા, ખારા-તીખા બજારૂ ખોરાક અને સ્ટ્રેસ અને સ્ટ્રેઈન ભાગ ભજવતાં  જોવા મળે છે. આજના બૌધ્ધિકો પશ્ચિમનું વધુ અનુકરણ કરતા થઈ ગયા હોઈ, ડ્રીંક્સ, ધુમ્રપાન પણ એ આ રોગના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે. બૌધ્ધિકોમાં વધેલી સોશ્યલ પેથોલોજી એ આજના યુગનો કદાચ સૌથી મોટો રોગ છે. તળેલો ખોરાક ઓછો ભાગ નથી ભજવતો.

ગોળી ગળીને સાજા થાવ એ સૂત્રમાં જ જો માનતા હો, તો આજના યુગમાં ડાયુટેટિસથી માંડીને બીટા બ્લોકર સુધીની શ્રેષ્ઠ દવાઓ ઉપલબ્ધ છે. લેતા રહો અને કામ ચલાવતા રહો. યાદ રાખો એક વખત શરૂ કરેલી આ હાઈપોટેન્સિવ્ ડ્રગ તો પછી ભાગ્યેજ બંધ કરી શકો છો. અને નપુંસકતા જેવો સાઈડ ઈફેક્ટનો લાભ મેળવતા રહો છો.

હા, છતાં જ્યારે આ વિષચક્રમાંથી છૂટવું હોય તો રસ્તાઓ છે – જરૂર છે. પહેલો રસ્તો તો જીવન શૈલીને બદલવી પડશે. જે કરવાથી બ્લડપ્રેશર આવ્યું તેનાથી ઉલ્ટી લાઈફ સ્ટાઈલ કરવી પડશે.  બહુ ટેન્શનવાળી લાઈફ સ્ટાઈલ હોય તો બધુ જ એવું ગોઠવો કે ચિંતા મુક્ત બનો. બહું ખારા, તીખા ખોરાક ખાતા હો તો કે તળેલા ખોરાક ખાતા હો તો બાફેલા ખોરાક પર આવી જાઓ. રાત્રિનું જાગવું અને દિવસનું સુવાનું છોડો. વધુ ચરબી હોય તો વજન ઘટાડવા આયુર્વેદમાં બતાવેલ હળવા ખોરાક શરૂ કરો, કસરત કરો, યાદ રાખો, અહીં કસરત એટલે યોગ્ય આસનો જ. આમાં પણ શવાસન બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. થોડું ઝડપથી ચાલીને પછી ૧૦ મિનિટ શવાસનની સ્થિતિમાં પડ્યા રહો. જેમાં તમે શૂન્ય મનસ્ક થઈ ગયાનું વિચારો. વિચારો ઘટાડો.

અનિદ્રાની બધીજ સારવાર બ્લડપ્રેશરમાં કામ લાગે તેવી છે, હા શક્ય એટલું મીઠું ઘટાડો, દહીં બંધ કરો, અહીં મીઠું એટલે આયોડાઈઝ નમકની તો વાત જ નથી. સિંધાલિણ ૨૫-૩૦% ખાઓ તો અનિદ્રાની સારવાર આપોઆપ ઉત્તમ ઉપચાર તરીકે કામ કરશે. સાંજે સુદર્શન ચૂર્ણ ૨ ગ્રામ લઈ ૫૦ મિ. લિટર પાણીમાં પલાળી તેનું નિતર્યુ પાણી પી જાઓ. અને અઠવાડિયામાં ૧ વાર દિવેલ લો. યાદ રાખો અહીં દિવેલ એટલે રિફાઈન્ડ કેસ્ટર ઓઈલ નહીં પણ રો સ્વરૂપનું મળતું દિવેલ ૧૫ થી ૩૦ ગ્રામ લો ગરમ દૂધ અથવા ગરમ ચા સાથે.

વિસ્મૃતિનો રોગ અને ઘી અંગેની ગેરસમજો

વિસ્મૃતિ      

                                      રાજવૈદ્ય એમ. એચ. બારોટ

વિસ્મૃતિ એક લાંબી હરોળ ધરાવે છે. ત્યાં વ્યક્તિનું નામ ભુલાઈ જવાથી માંડી એલ્જિમેર્સ સુધીના રોગોનું લિસ્ટ છે. નામ ભુલાય તેને એનેમેસીસ કહે છે. આમાં વ્યક્તિ બાકીનાનું ઘણું બધું ધ્યાન રાખી શકે છે. માત્ર નામ તે ભૂલી જાય છે. પોતાની પત્ની, પુત્ર, પુત્રીનાં નામો ઘણીવાર ભૂલી જાય છે. તો કેટલીકવાર તેની હાથમાં રહેલ લાકડીને શું કહેવાય તે પણ ભૂલી જાય છે. હા, દૂરના ઓળખીતાઓનાં નામ વધુ ભુલાઈ જાય છે. અને વ્યક્તિ બહુ જ મુંજવણ અનુભવે છે.

એલ્જિમેર્સ અંગે તો ભાગ્યેજ કંઈ કહેવાનું છે. તેમાં તો વ્યક્તિ બેત્રણ વર્ષનું બાળક હોય તેવા હાવભાવ કરે છે. તેને ફરી બધું શિખવવું પડે છે.

બૌધ્ધિકોમાં આ સૌથી બળવાન રોગ છે. કારણકે જેમ ઉંમર વધે તેમ મગજ સુકાવા માંડે છે. કારણકે વાયુ વધે અને વાયુને હટાવવાની સતત કોશિષ આપણે ક્યારેય નથી કરી. આપણે આપણા મિજાગરાઓ, ખાટ, હિંડોળાનાં કડાંમાં તેલ પૂરીએ છીએ, પણ કાનમાં, માથામાં કે નાકમાં નસ્ય દ્વારા ઘી, તેલ પૂરતા નથી. નાકમાં કરવામાં આવતું ઉંઝણ નસ્ય કહેવાય છે.

કહેવાની ભાગ્યેજ જરૂર છે કે આગળ કર્ણ સુરક્ષા, નેત્ર સુરક્ષા, અનિદ્રા અને બ્લડ પ્રેશરમાં આવતી  સારવાર વિસ્મૃતિની પણ ઉત્તમોત્તમ સારવાર  છે. બીજા શબ્દોમાં જો તમે બાળપણથી અરે ! પ્રૌઢાવસ્થાથી જો ક્રર્ણપૂરણ શિરોભ્યંગ, નસ્ય અને વરસમાં એકાદવાર શિરોબસ્તિ કે શિરોધારાનો કોર્સ કર્યો હશે તો વિસ્મૃતિ તમારી પાસે પણ ક્યાંય નહીં ડોકાય કારણ ? કારણ બહુ જ સ્પષ્ટ છે. ઉંમર જેમ વધતી જાય તેમ ધાતુઓ ઘસાતી જાય છે, ધાતુઓ ઘટે તેમ વાયુ વધે છે. વાયુ વધે એટલે ફરી વધુ ધાતુઓનો નાશ થાય છે. આમ વિષચક્ર શરૂ થાય છે. આ વિષચક્ર એક અને એક માત્ર કર્ણપૂરણ, શિરોભ્યંગ, નસ્ય, શિરોધારા, શિરોબસ્તિ કે સ્નેહબસ્તિથી જ દૂર કરી શકાય છે.

 દવાઓઃ-

બસ્તિઓ એ આ રોગની શ્રેષ્ઠ સારવાર છે. અહીં યાદ અપાવવું જરૂરી છે કે તમે બસ્તિ શબ્દ પ્રથમ વાર જ સાંભળ્યો છે. આ બસ્તિ સામાન્ય અર્થમાં એનીમા તરીકે ઓળખાય છે. તમે વધુ કબજિયાતવાળાને સાબુનુ પાણી અને ગ્લીસરીન ચઢાવાતું જોયું હશે. આ એક જાતની બસ્તિ છે. મૂળ બસ્તિ શબ્દ મૂત્રાશય-બ્લેડર માટે વપરાય છે અને જુના જમાનામાં વૈદ્યો પશુઓના મૂત્રાશયને એક શ્રેષ્ઠ એપરેચર્સ બનાવીને ગુદાવાટે બસ્તિઓ આપતા જે આજે સીરીંજો કે કેન દ્વારા અપાય છે. આ બસ્તિ કે મૂત્રાશય એક સાધન હતું જે પાછળથી ક્રિયાહીન થઈ ગયું.

પણ એનીમા આપવાની રીત અને બસ્તિ વચ્ચે આભ-જમીનનો ફર્ક છે. તમને જાણીને નવાઈ લાગશે કે આપણો આદિવાસી મિત્ર દિવસે પહેરેલા ટુવાલ વડે બીજા દિવસે સવારે સ્નાન કરે. એના એ જ કપડાં પહેરે તેને આપણે સ્નાન કહીશું ? અને જો તેને પણ સ્નાન કહીએ તો આપણું સ્નાન  કેટલું સુપર સ્નાન કહેવાય ? આટલો જ ફર્ક બસ્તિ અને એનીમા વચ્ચે છે. આની આખી વૈજ્ઞાનિક ચર્ચા છે, પણ આ પુસ્તકને મર્યાદા હોઈ આપણે તેને અહીં જ અટકાવીએ છીએ.

હા, બીજે એક અગત્યનો મુદ્દો યાદ રાખવા જેવો છે. તે છે આંતરડાંઓ – ખાસ કરીને મોટા આંતરડાંની શુધ્ધિ. જો તમે પિત્તને અને મળના કેટલાક દુષિત અંશોને જમા થવા ન દો તો મોટા આંતરડાંના બેક્ટેરીયલ ફલો-વિટામીન બીકોમ્પલેક્સ ને શ્રેષ્ઠ ફોર્મમાં બનાવે છે. આ ગ્રુપ પણ મગજને ઘણું જ મદદકર્તા વિટામીન છે. એટલે આયુર્વેદની બસ્તિઓ એ વિસ્મૃતિની શ્રેષ્ઠ સારવાર છે.

દવાઓમાં તમે બ્રાહ્મી, શંખપુષ્પી, મેધ્યા, સારસ્વતચૂર્ણ, માલકાંકણીની જેવી અનેક દવાઓ છે. પણ નિષ્ણાંતની સલાહ પ્રમાણે જ લો.

યાદ રાખો આયુર્વેદ માત્ર ગોળી ગળવાથી લાભ થાય છે તેવું માનતો જ નથી. એટલે  આયુર્વેદ પાસે બ્રાહ્મ રસાયન જેવું પ્રબળ હથિયાર હોતા છતાં મળશુધ્ધિ (વમન, વિરેચન, બસ્તિ, નસ્ય) સ્ત્રોતશુધ્ધિ (માર્ગો ચોખા રાખવા), શ્રેષ્ઠ મેધ્યઆહાર ગાયના ઘીને અગ્રિમતા આપવામાં આવી છે અને માથાની સુરક્ષા પર ભાર મૂકવામાં આવ્યો છે.

અહીં એક વાત ફરી યાદ પર મૂકવી રસપ્રદ થઈ પડશે. આ વાત છે ઘીની. આયુર્વેદમાં ઘીને આયુષ્યનો પર્યાય ગણ્યો છે. આયુર્વૈઘૃતમ્ અને મેઘા-જે ગ્રંથ ધારણ કરી શકે તેવી શક્તિના અર્થમાં અથવા લોંગટર્મ મેમરીના અર્થમાં રાખ્યો છે. તેના માટે ઘી એક શ્રેષ્ઠ ખોરાક છે. દુર્ભાગ્યે આપણે પશ્ચિમના રવાડે ચડીને, હાર્ટએટેકથી અને બહેનોએ ચરબી વધી જવાના ડરે ઘી ખાવાનું લગભગ બંધ કરી દીધુ છે. આનું પરિણામ ઘણું જ ખરાબ આવી રહ્યું છે અને આવશે. આને વધુ સ્પષ્ટ કરવા એકાદ-બે ઉદાહરણ જરૂરી લાગે છે. ન્યુયોર્કના એક પંજાબી વેપારીનું મૃત્યુ ૪૫માં વર્ષે થયું. પણ જે નિષ્ણાત આ રોગીની સારવાર કરતા હતા તેણે પુત્રને પણ લોહીમાં ચરબીનું પ્રમાણ-જાણવા લિપીડ પ્રોફાઈલ કરવા કહ્યું. તેમાં ટોટલ સીરમ કોલેસ્ટીરોલ-૧૮૦ આવ્યું. એટલે નિષ્ણાતો તેને ૧૬૦ જ રહે તે માટે તેના કેટલાક ખોરાક પર કાપ મૂક્યો. વાસ્તવમાં તો બધા જાણે છે. તેમ લોહીમાં ચરબીનું પ્રમાણ, ૧૫૦-૨૫૦ નોર્મલ ગણાય છે. એટલે ૧૮૦ તો સંપૂર્ણ નોર્મલ ગણાય. પણ કાર્ડિયોલોજિસ્ટને આ પણ વધારે લાગતાં. – ૧૬૦ નો આગ્રહ રાખ્યો હતો. બન્યું એવું કે છોકરાના ખોરાકમાંથી ઘી, લસ્સી જેવા પ્રિય ખોરાકો બંધ થઈ ગયા. બધું લુખું-સુકું ખાવાનું.

એકાદ મહિના પછી છોકરામાં વિચિત્ર ફેરફાર થવા માંડ્યા, બહુ ગુસ્સે થવા માંડયો. મિત્રો સાથે ઝઘડવા માંડ્યો, અરે જાણે ગાંડપણ હોય તેવું કરવા માંડ્યો. પ્રથમ સજાવટથી તેની માતાએ કામ લીધું. પણ કાબુમાં ન આવતાં સાઈકીયાટ્રીસ્ટને સંપૂર્ણ બતાવ્યું અને તેણે સારા ન્યુરોફીઝીશ્યનને બતાવવા ભલામણ કરી. ન્યુરોફીઝીશ્યને સંપૂર્ણ હીસ્ટ્રી લેતાં, યુવાનને ચરબી ઓછી મળવાનું ખોળી કાઢયું અને ઓછી ચરબીના કારણે તેનાં ન્યુરોટ્રાન્સમીટર ગરબડવાળાં બની ગયાનું જણાવ્યું અને સીરમ કોલ્સ્ટીરોલ ઓછામાં ઓછું ૧૮૦-૧૯૦ રહેવું જોઈએ. તેમના રોગીની આ મુંજવણ ગાયના ઘીએ એકાદ મહિનામાં દૂર કરી. છોકરો ૧૦૦% સાજો થઈ ગયો.

બીજો કેસ છે. એક ઓકોલોજીસ્ટ (કૅન્સરનું વિજ્ઞાન ટેકનીકલ ભાષામાં ઓકોલોજી કહેવાય છે)ના નિષ્ણાતના રિપોર્ટનો. આ નિષ્ણાત બ્રેઈન ટ્યુમર પર સંશોધન કરતા હતા. આ ગાળા દરમિયાન તેણે ન્યુરોન (બ્રેઈનના મૂળ કોર્ષો)નો અભ્યાસ કર્યો. તે એવા તારણ પર આવ્યો કે વિશ્વમાં ભારતીય  ઉપખંડ ખાસ કરીને ભારતના ન્યુરોન સેલ્સ લાંબા સમય સુધી સક્રિય રહે  છે. કેમ ? તેનો તો તેની પાસે કોઈ ઉત્તર ન હતો. પણ આપણે તેનો ઉત્તર અચૂક આપી શકીએ તેમ છીએ કે ન્યુરોનને લાંબો સમય કાર્યરત રાખવા ઘીનો ખોરાકમાં ઉપયોગ કરવો જ જોઈએ. તેનો એક પુરાવો તો આપણે ઉપર આપ્યો કે આયુર્વેદમાં ઘીને આયુષ્યનો પર્યાય ગણ્યો છે. બીજું તેનો મેઘ્યગુણ બતાવવામાં આવ્યો છે. ત્રીજું આપણી ભારતીય વાનગીઓમાં જો ઘીનો અભાવ હોય તો માણસનો ખોરાક ગણવામાં આવતો.

ઘી જેવા ખોરાકો જાંગમ ચરબી – એનિમલ ફેટ હ્રદયરોગ કરે છે, તેવો મૂળ વાયરો પશ્ચિમના દેશોમાંથી આવ્યો. જ્યાં ઘી નામની કોઈ ચીજ નથી. માત્ર દૂધની મલાઈ-ક્રીમ છે. આ મલાઈ અથવા ક્રીમ ચીકણાં (અભિષ્યંદિ) હોવાથી હ્રદયરોગ કરતાં હોઈ શકે. પણ દૂધ અથવા મલાઈનું દહીં બનાવી, તેમાંથી માખણ કાઢો અને તેને ઉકાળીને બનાવવામાં આવેલ ઘી ક્યારેય હ્રદયરોગ કરી શકે નહીં.

હા, જો તમે તદ્દન બેઠાડુ જીવન જીવતા હો તો ઘી ઓછું ખાઓ, ગરમ કરીને ખાઓ અને ભૂખ હોય ત્યારે જ ખાઓ. બાકી ઘીની જગ્યાએ માત્ર બાફેલું ખાવું કે લુખું-સુકું ખાવું તે કોઈ રીતે યોગ્ય નથી જ.

હા, હ્રદયરોગનો હુમલો આવી ગયા પછી તો આયુર્વેદમાં પણ ઘીની મનાઈ છે. અરે ! દૂધની પણ મનાઈ છે. અરે ! લિપીડ પ્રોફાઈલમાં  એચડીએલ, એલડીએલ જેવા શબ્દો કેમ છે ? એચડીએલ એટલે હાઈડેન્સીટી લાઈપો પ્રોટીન, હ્રદયરોગ ન થવા દેવા માટેની આ અનિવાર્ય ચરબી છે.

સુખી લોકોનો મારક રોગ – મધુમેહ

 મધુમેહ-ડાયાબીટીસ મેલીટસઃ         

– રાજવૈદ્ય એચ. એમ. બારોટ.


બૌધ્ધિકો જો આર્થિક રીતે વધુ સુખી હોય, ચરબી વધુ પડતી થઈ જાય અને દિવસે ઊંઘવાની ટેવ હોય તો મધુમેહ જલ્દી થઈ શકે છે. ભારતમાં હ્રદયરોગ અને મધુમેહનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યાનું નિષ્ણાતો માને છે. આના બીજા ઘણા કારણો હશે, પણ મહેનતનું મહત્વ ઘટી જવાથી તૈયાર ખોરાક ખાવાથી અને જીવન વધુ ટેન્શન વાળું બની જતાં આ રોગ વધ્યો હોવાનું મને લાગે છે.

સારવારઃ-

મધુમેહની સારવારમાં ત્રણ બાબતનું સંયોજન અનિવાર્ય છે. આ ત્રણનું સંયોજન એટલે દવા, ખોરાક અને કસરત સુશ્રુતના મતે આ રોગમાં જવનો ખોરાક, કૂવા ખોદવા જેવી મહેનત (પેનક્રિયાસ પર અસર કરનાર કસરત અને કુવો લોકોપયોગી કામ છે.) અને શિલાજિત જેવી દવાઓનો ઉપયોગ કરવાનું વિધાન ૧૦૦% વૈજ્ઞાનિક છે. ગોળી ગળો અને સાજા થાવ. તેવી બાબત ત્યાં નથી કે જ્યાં માત્ર ઈન્સ્યુલીન લઈને પેનક્રિયાસને હંમેશા નિષ્કિય કરી નાખવાની વાત પણ નથી જ. બધા દુષ્પરિણામોની વાત કરવાનો અહીં પ્રસંગ નથી છતાં આ રોગના ત્રણેક ઉદાહરણોતો આપ્યા વિના રહી શકતો નથી.

ન્યુરોપથીઃ-

વાત નાડીઓ (નવર્ઝ)ની કામ કરવાની અશક્તિ ન્યુરોપથી કહેવાય છે. તો નાડીઓમાં પાક થવો તે ન્યુરાઈટીસ કહેવાય છે. મધુમેહના રોગીઓને ખાસ કરીને તો પગની કળતર આ ન્યુરાઈટીસના કારણે થાય છે.

શ્રીમતી ગુણવંતી બેન શાહ ઉંમર ૪૫ વર્ષ. આક દિવસ વીઝીટે બોલાવે છે. તેની ફરિયાદ છે, જમણી આંખનું પોપચું ઢળી પડ્યું હોવાથી આંખ ખુલતી નથી. મૂળ કેઈસ એક ડાયાબેટોલોજિસ્ટનો હતો. તેણે ઓપ્થેલોમોજિસ્ટને મોકલ્યો તેણે વળી ન્યુરોફીજીશીયનની સલાહ લીધી. પણ છેલ્લે તો વાજતે ગાજતે ડાયાબેટોલોજિસ્ટ પાસે જ આવ્યું. કારણ બહુ જ સ્પષ્ટ હતું. આ રોગોના કારણ આંખના ઉપલા પોપચામાં આવેલ નાડી કામ કરતી ન હતી અને તેનું કારણ ડાયાબીટીસ જ હતું. ડાયાબીટીસના કારણે ન્યુરોપથી થઈ હોય તે મટે પછી જ આંખ સુધરે એટલે આયુર્વેદ સાંભર્યું.

રોગીને ડાયાબીટીસની દવાઓ તો ચાલુ જ હતી પણ તે કંટ્રોલમાં આવતો ન હતો. પીપીબીએસ બોર્ડર લાઈન સુધી જ હતો. આયુર્વેદની વાત વ્યાધિની સારવારે કર્ણ પૂરણ, નેત્ર તર્પણ (આ ઉપચારે વધુ મદદ કરી). વસંતકુસુમાકરને બંધ કરીને વાત ચિંતામણી શરૂ કરી કે પંદર દિવસમાં રોગી ૧૦૦% સાજો થઈ ગયો. જે ડાયાબેટોલોજિસ્ટ માટે પણ નવાઈની વાત હતી, આશ્ચર્ય હતું

 નપુંસકત્વઃ-

મિ. એસ ૪૮ વર્ષની ઉંમર કામદાર રાજ્ય વિમા યોજનાના કર્મચારી કોઈકની સલાહથી આયુર્વેદમાં સારવાર લેવા આવ્યા. થોડા સમય સારવાર લીધા પછી રોગીએ કહ્યું કે તેને ડાયાબીટીસ પછી નપુંસકત્વ શરૂ થયું છે. એટલે વસંતકુસુમાકર શરૂ કરી. તેનાથી તેને ઘણો જ ફાયદો થયો. પણ લાખો ની ખોટી દવાઓ ખરીદ કરનાર એક વિભાગે તેની ફરિયાદ કરી કે આ દવા બહુજ મોંઘી પડે છે. પણ રોગી એ જ્યારે તેના અધિકૃત અધિકારી પાસે તેની પત્નીને લઈ જઈને કથની કહી ત્યારે બધું થાળે પડ્યું અને છેલ્લે રોગી આ દવાથી સાજો થયો.

રેટિનોપથીઃ-

મિ. વાય. પોલ. એવી ફરિયાદ લઈને આવે છે કે તેની જમણી આંખ તો ડાયાબેટિક રેટિનોપથથી ગઈ છે. પણ ડાબી આંખમાં પણ ઝાંખપ આવવાની શરૂ થઈ છે. વધુ વિગત તપાસતાં રોગીએ જણાવ્યું કે ડાયાબીટીસ થયા બાદ લગભગ ત્રણેક વર્ષે જાણવામાં આવ્યું કે ઝાંખપ આવવી શરૂ થઈ છે. ઘણા નિષ્ણાતોને બતાવ્યું. રોગનું નિદાન સર્જને લેસર કિરણની મદદથી રેટિના ઠીક કરવાનું કહી ઓપરેશન કર્યું. પણ તે ૧૦૦% નિષ્ફળ રહ્યું. એટલે જમણી આંખે તો અંધાપો આવ્યો. સાહેબ, ગમે તેમ કરીને મારી ડાબી આંખ બચાવી લો. ડાયાબિટીસની સારવાર સાથે વસંતકુસુમાકર આપવા માંડી. ત્રિફલા સવારમાં ફાંટના રૂપમાં આવવું શરૂ કર્યું. રોગીએ બે મહિને કહ્યું કે મારી ડાબી આંખ બચી ગઈ પણ જમણી આંખમાં કોઈ ચમત્કારીક પરિવર્તન આવ્યું હોય તેમ મને ઝાંખુ ઝાંખુ દેખાવા લાગ્યું છે.

ડાયાબિટીસમાં ભૂખ્યા રહેવાની વાત તદ્દન ગાંડપણ ભરી છે. કારણકે મેહેષુ સંતર્પણ મેવકાર્યમ્ તેમ પેટ ભરવું જોઈએ. પણ જવ, ચણા જેવા ખોરાકોથી જેમાં કાંતો માત્ર પ્રોટીન હોય છે. સ્ટાર્ચ કે સ્યુગર હોતી નથી, લાંબે ગાળે પચે તેવા જોઈએ. એટલે રોટલી, દાળ, થોડી ભાજી, કારેલાં સૂરણ કે ભાજીઓનો ઉપયોગ ખોરાક તરીકે કરો.

દરરોજ શક્તિ પ્રમાણે મહેનત કરો. આખો દિવસ થોડી-થોડી મહેનત કરતાજ રહો. કમરથી શરીર વાળવું પડે તેવી કસરતો, યોગના આસનો કરો. આમાં પવનમુક્તાસન, પશ્ચિમોત્તાસન, સર્વાંગાસન ખાસ કરો.

ગળો, આમળાં, હળદર, નાગરમોથ, મામેજવો, ત્રિફલા, વિષિન્તિન્દુ એ આ રોગની સારી દવાઓ છે. ચંદ્રપ્રભા -૧, અને શિલાજિત શ્રેષ્ઠ દવાઓ છે. પણ તમારા માટે કઈ યોગ્ય છે તે નિષ્ણાત વૈદ્યને જ જણાવવા દો કહેવા દો.